આલ્બમ: હસ્તાક્ષર

સ્વરકાર: ઉદય મઝુમદાર

સ્વર: ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી



આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે;
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.

કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.

આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય ‘રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.