સ્વર: ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.
કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન..
સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન..
ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન..
પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન..
સ્વર: રેખા ત્રિવેદી
પ્રીતિના અવસરિયે સરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
તું તો છે ને દરિયો ને હું તો તરંગ
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
એક પ્રિય સખીને તેની સગાઇ નિમિત્તે સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે..
સ્વર: વિનોદ રાઠોડ, રેખા ત્રિવેદી
હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે,
શમણું બની ચૂમું તને તો બેઉને ગમે છે.
ફૂલો રડી કહે તમે કાં મહેકતા નથી?
ચંપા ચમેલી ચાંદ સંગ હવે ટહેલતા નથી;
ઝાકળની આરઝુ વિષે તડકાઓ બેફીકર,
દિવાનો છું તમારો ગુલશન છે બેખબર.
વર્ષો પછી મળી મને આ મારી વાર્તા,
પાને પાને લખી દીધું અમે તને ચાહતા;
પાગલ થઈ છું એટલી હવે તારા પ્યારમાં,
ઈશ્વર બની વસે છે તું મારા શ્વાસમાં.
સ્વર: રેખા ત્રિવેદી
કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.
હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..
વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..
સ્વરાંકન: ઉદય મઝુમદાર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે;
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.
કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.
આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય ‘રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.
સ્વર: રેખા ત્રિવેદી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી