આલ્બમ: સમન્વય ૨૦૦૫
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
સ્વર: રાસબિહારી દેસાઈ
તમે ગાયાં આકાશભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ,
આપણે એવડાં તે કેવડાં જે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ.
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?
અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં,
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં.
અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?