સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: આશિત – આલાપ દેસાઈ
હે જી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું
હે જી બાકી છે રે કોડ અપરંપાર.
ભાઈ એને ગગન ભરીને દીધો વાયરો,
તોય એના ખૂટે છે શ્વાસ વારંવાર.
ભાઈ એ તો સુરજ-ચાંદાને તેજે ઉજળો,
તોય એની ભીતર છે કાળો અંધકાર.
ભાઈ એ તો અનંતનો અંત લાવે નામથી,
હે જી એને નિરંજનને કીધો છે સાકાર.
સ્વર: ધનાશ્રી પંડિત
ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદ આવી ગઈ,
એક ડાળ હતી ને હતો માળો, મુજને ઘરની યાદ આવી ગઈ.
ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું,
સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદ આવી ગઈ.
અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,
નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદ આવી ગઈ.
ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સુમસામ હતું,
એકાકી નિરંજનને ત્યારે સચરાચરની યાદ આવી ગઈ.
સ્વર: દીપ્તિ દેસાઈ
વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે..
જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે..
સ્વરાંકન: અજિત મર્ચન્ટ
સ્વર: પ્રવિણ જોશી
વહાવી સુર્ખ મદિરા આપની પ્યાલી ભરી નાખી,
હજુ તો રાત બાકી છે સુરાહી વાપરી નાખી.
જરા તીરછી નજરથી જોઈ લીધું નાથની સામે,
બહુ દિવસોની વાતો ચંદ ઈશારામાં કહી નાખી.
વિતાવ્યો આતશી દિનને શબે હિજરા પડી આગે,
અરેરે વાસ્લની બે પળ શરમમાં વાપરી નાખી.
વહાવી સુર્ખ મદિરા આપની પ્યાલી ભરી નાખી,
હજુ તો રાત બાકી છે સુરાહી વાપરી નાખી.
સ્વર: દિપાલી સોમૈયા
સોનેરી રંગ સાંજનો, ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું, શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેળવ્યાં, દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી, કોઈ અનોખી ભાત
મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..
રંગ તો એવો જાલિમ જાણે જમદૂતે ઝંખેલો
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
એના ઝેરની ઝાપટ લાગી મુને ફૂટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..
ચાર દિશામાં કયાંય નહી ને મેઘધનુમાં નહોતો
વાલમને મન એજ વસ્યો ને એજ રહ્યો રંગ જોતો
એનો ડાઘ પડ્યો તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..
રંગની ઉપર રંગ ચડે તે મૂળનો તો રંગ ધોળો
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો
કોઈ ભીલડી આવી ભોળવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..
સ્વર: પ્રફુલ દવે
સ્વર: મન્ના ડે
પંખીઓ એ કલશોર કર્યો, ધરતીને સુરજ ચુમ્યો
કુથલી લઇને સાંજનો સમિર આજ વને-વન ઘુમ્યો
ખુલ્લી પડેલી પ્રિતનો અર્થ કળી કળીએ જાણ્યો
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘુમટો તાણ્યો
પ્રગટ્યા દિવા કંઇક ચપોચપ, ઉઘડી ગગન બારી
નિરખી આભની આતુર આંખો દોડી આવે દિગનારી
તાળી દઇ કરે ઠેકડી તીડું, તમરાં સીસોટી મારે
જોવા તમાશો આગીયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે
રાતડીના અંધકારની ઓથે, નિંદરે અંતર ખોલ્યા
કૂંચી લઇ અભીલાષની સોનલ, હૈયે શમણાં ઢોળ્યા