આલ્બમ: ગીત ગુંજન
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર: શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી
મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.
શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.
હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.
આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.
મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.
ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?
મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.