આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વર: શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી



સે સોરી માય સન, સે સોરી
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોય આ નોટ તારી કોરી, સે સોરી..

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી.
યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..

પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવાડાવું,
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી..