સ્વરાંકન/સ્વર: મનહર ઉધાસ
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ
ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ
ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ
આખુયે વન મહેંકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ
હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ
સ્વરાંકન: અમર ભટ્ટ
સ્વર: ગાર્ગી વોરા
આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી પગલા વસંતના.
આ એક તારા અંગેને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના.
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા આજ આંખમાં આંબા વસંતના.
ઉડી રહ્યાં છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયાં છે આજ તો છાંટા વસંતના.
આજે પ્રસ્તુત છે મારા પ્રિય કવિની મારી ખુબ જ ગમતી ગઝલ. આ ગીત સમન્વય ૨૦૦૯ કાર્યક્રમમાંથી લાઈવ રેકોર્ડીંગ છે. ગઝલની સાથે સાથે આશિત દેસાઈનો આસ્વાદ સંભાળવાની પણ મજા છે. આ ગઝલનો ગુંજનભાઈનો આસ્વાદ પણ માણવા જેવો છે.
સ્વરાંકન / સ્વર: આશિત દેસાઈ
“જો સુખી થઈ જવું હો તારે તો
જે થતા તે સવાલ ભૂલી જા;
મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોને ચાલી તી ચાલ ભૂલી જા.
કે રસ તારે નીરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા.”
પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.
શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે.
આંખમાં કીકી જેમ સાચવ તું,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.
આપનો દેશ છે દશાનન નો ,
આપણો માંહ્યલો જટાયુ છે.
તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે.
સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.
ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.
સ્વર: આલાપ દેસાઈ
ઉંબર ને બારણા ને કે ના ટોડલાને પૂછ,
ઘરમાં ઉદાસી કેમ છે ખાલીપણા ને પૂછ.
રણ તો કહેશે કેટલાં હરણાં ઢળી પડ્યાં,
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવા ને પૂછ.
ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પૂર હતું એ પાંદડાને પૂછ.
સ્વર/સ્વરાંકન: રવિન નાયક
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
———————————
સૌજન્ય: ઊર્મિસાગર
સ્વર: અમર ભટ્ટ
જરાયે દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે
કશુંય તોહમત નથી જ માથે વગર ગુનાની સજા મળી છે
વિનમ્ર થઈને કદાપી એકેય કરી ન ફરીયાદો જિંદગીમાં
રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે
ઘણીય વેળા ઉભા રહ્યાં તો અશક્ત માની હટાવી દિધાં
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે
અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિન્તુ
હવે અમારી સભામાંથી અમને વહી જવાની સજા મળી છે.