હરી તુ ગાડું મારું…

April 30th, 2007 12 comments

સ્વર: પ્રફુલ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

taintedsong.com taintedsong.com taintedsong.com

પ્રણયમા જવાની – અમૃત ‘ઘાયલ’

April 27th, 2007 2 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

taintedsong.com taintedsong.com taintedsong.com

અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ

April 26th, 2007 19 comments

આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. સ્વર્ગારોહણ પર પ્રસ્તુત ‘અસત્યો માંહેથી’ વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 સ્વરુપે નથી, પરંતુ જેટલી પણ પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

taintedsong.com taintedsong.com taintedsong.com

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી…

April 25th, 2007 10 comments

સ્વર: વિનોદ રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો…

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

taintedsong.com taintedsong.com taintedsong.com

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી – અરદેશર ખબરદાર ‘અદલ’

April 19th, 2007 6 comments

સ્વર: આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: કિરાત અંતાણી, સમીર જાદવ
સ્વરાંકન: રિશીત ઝવેરી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય ‘અદલ’ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

taintedsong.com taintedsong.com taintedsong.com