મેઘદૂત (ઉત્તરમેઘ ૧૧-૨૨) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 23rd, 2014 No comments
ઉત્તરમેઘ ૧૪Kalpavruksha, the Wishing Tree of Alaka <br />Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૧૪
Kalpavruksha, the Wishing Tree of Alaka
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કામીઓ જ્યાં, અખુટ ધનના ધેર ભંડારવાળા,
મીઠા કંઠે ધનપતિતણી, કિન્નરો કીર્તિ ગાતા,-
સાથે રાખી, હરતી મનને અપ્સરા સંગ રંગે,
સેવે આવી ઉપવન રુડું, નિત્ય વૈભ્રાજ્ય નામે ॥ ૧૧ ॥

ચાલી જાતાં અલકથિ ખર્યાં કૈંક મન્દાર પુષ્પે,
સોના કેરાં કમળથિ વળી કાનનાં કર્ણ પત્રે;
મોતીસેરે, સ્તનપર ઝુકી તૂટતાં સૂત્ર, હારે,
રાત્રીરસ્તો દિવસ ઉગતાં, કામિનીનો કળાયે ॥ ૧૨ ॥

જાણીને કે, ધનપતિસખા શંભુ પાસે વસે છે,
તેની બ્‍હીકે, ભ્રમરગુણનું ચાપ, ના કામ ધારે;
તીણી દ્રષ્ટે ભમર નચવી, વિંધતી કામીઓને,
સાધે છે ત્યાં ચતુર યુવતી, કામસિદ્ધિ વિલસે ॥ ૧૩ ॥

નાના વસ્ત્રો, મધુ નયનને આપનારું વિલાસ,
તાજાં પુષ્પો, કિસલય રુડાં, ભૂષણો ભાતભાત;
તાજો રાતો સરસ અળતો રંગવા પાદપદ્મ,
આપે છે જ્યાં સકળ અબળાભૂષણો, કલ્પવૃક્ષ ॥ ૧૪ ॥

ત્યાં હર્મ્યેથી ધનપતિતણા, ઉત્તરે ધામ મા’રુ,
દ્વારે ઊંચી સુરધનુસમી છે કમાને સુહાતું;
જેની પાસે સુતસમગણી વા’લીએ છે ઉછેર્યો.
ગુ્ચ્છે ઝૂકી કર અડકતો દેવ મંદાર ના’નો ॥ ૧૫ ॥

ત્યાંછે વાપી, મરકતતણા શોભતી શ્યામ ઘાટે,
જેમાં ડોલે, ખિલિ કનકનાં પદ્મ વૈડૂર્યનાળે;
હંસો એના જલપર સદા હર્ખ પામી વસે છે,
વર્ષામાંયે નથી ઉડી જતા, માન છે પાસ તો’યે ॥ ૧૬ ॥

બાંધ્યો તેના તટપર, રચી શિખ્ખરો ઇંદ્રનીલે-
ક્રીડા માટે ગિરિ, કનકની રોપીને કેળ હારે;
વિદ્યુત સોતો નિરખી તુજને, સાંભરી આજ આવ્યે-
વ્હાલીનો એ પ્રિયગિરિ મને, હર્ષ ને ખેદ થાયે, ॥ ૧૭ ॥

ઘેરેલા ત્યાં કુરવકવડે માધવી મંડપો છે,
પાસે રુડો બકુલ, ઝુલતાં રક્તપાતો અશોકે;
ઇચ્છે પ્‍હેલો વદનમદિરા, દોહદો પૂરવાને,
બીજો ડાબો ચરણ સખીનો, યાચતો મા’રી પેઠે ॥ ૧૮ ॥

કુંભીમાંહિ, નિલમણિજડી લીલુડા વાંસ જેવા,
સોના સ્તંભે, સ્ફટિકનું ઘડી, મુક્યું છે પાંજરું જ્યાં-
વા’લી કેરાં વલયરણકે, તાલથી નાચી નાચી,
બેસે છે જૈ, દિવસ વિતતાં, મિત્રતાઓ કલાત્પ ॥ ૧૯ ॥

એ સૌ ચિન્હો સ્મરણ કરિને, જાણીલેશે તું સદ્ય,
આલેખેલા વલી નિરખિને, સાખમાં શંખ, પદ્મ;
ઝાંખુ ઝાંખુ ભવન હમણાં, હુંવિના લાગશે એ,
ક્યાંથી શોભે કમળ જળમાં, સૂર્યના હોય ત્યારે ॥ ૨૦ ॥

થૈને નાનો પછી કમભશો, મ્હેલમાં પેસવાને,
ક્રીડાશૈલે, પ્રથમ ઉતરી, બેસજે રમ્ય શૃંગે;
ઝાંખા તેજે, જ્યમ ચળકતી હોય ખદ્યોત પંક્તિ,
જોજે, એવી ઝિણિ ઝબકતી વીજની નાખિ દ્રષ્ટિ ॥ ૨૧ ॥

શ્યામાવેષે નહિ નિચિ ઉંચી, ફુટડાં ગાત્રવાળી,
ઘાટે નાની, હરિણી સરખાં નેત્રવાળી રુપાળી;
હારે હારે દશન કણિઓ રત્ન જેવી જણાતી,
શોભે ઝીણી કળિ અધરની બિંબશી રાતી રાતી;

ઉંડી નાભિ ઉદર વિલસે, પાતળી કેડ જેની,
ભારે ઉંચા સ્તનથી કટિમાં, સે’જ નીચી નમેલી;
શ્રોણીભારે, મલપતી રુડી ચાલતી ધીમી ચાલે,
નારીરુપે, પ્રથમ વિધિએ હોય નિર્મેલી જાણે ॥ ૨૨ ॥

taintedsong.com taintedsong.com taintedsong.com

મેઘદૂત (ઉત્તરમેઘ ૧-૧૦) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 22nd, 2014 1 comment
ઉત્તરમેઘ ૮ The Passion in AlakaImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૮
The Passion in Alaka
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૧૦ The Moonlight in AlakaImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૧૦
The Moonlight in Alaka
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ઉત્તરમેઘ

 

તું વિદ્યુત્વાન્‌, લલિત વનિતાવૃંદથી એ ભરેલા,
તા’રે જેવું સુરધનુ, રુડાં ચિત્ર ત્યાં ચીતરેલાં;
તા’રી જેવી ગભિર મધુરી થાય છે ગર્જનાઓ,
સંગીતોમાં ધિરિ ધિરિ રુડી વાગતી ત્યાં મૃદંગો,
છે આ તા’રી વિષદ જળથી વાદળીઓ ભરેલી,
તેવી ત્યાં છે મણિય ભૂમિ, નિર્મળા કાચ જેવી,
તું છે ઊંચો, શિખર થકી એ આભને થોભ દેતા,
એવા તા’રી સરસઈ કરે તેમ છે મ્હેલ એના. ॥ ૧ ॥

સ્પર્ધા કર્તા રવિહયતણી, અશ્વ જ્યાં શ્યામવર્ણા,
તા’રા જેવા મદગળ ઉંચા હસ્તિઓ,પ્‌હાડ જેવા,
જ્યાં છે મોટા સુભટ, લઢતા જેહ લંકેશ સાથે,
લાજે જેનાં ભૂષણ નિરખી, ઘા પડ્યા ચંદ્રહાસે ॥ ૨ ॥

હસ્તે લીલાકમલ, અલકે કુન્દનાં પુષ્પ નાનાં,
ભાસે લોઘપ્રસુનરજથી પાંડુ શોભા મુખે જ્યાં;
અંબોડામાં કુરવક નવાં, ચારુ કાને શિરીષો,
ધારે સેંથે તુજથકિ ઉગ્યાં નીપ પુષ્પો વધૂઓ. ॥ ૩॥

જ્યાં માતેલા મધુકરતણાં વૃંદથી ગાજી રે’તાં-
આપે વૃક્ષો સકળ ઋતુમાં, પુષ્પ તાજાં ખિલેલાં;
હંસશ્રેણીતણી ઝમકતી મેખલાથી સુહાતી,
અર્પે છે જ્યાં કમલિની રુડાં પદ્મ, નિત્યે વિકાસી,
કેકા શબ્દો કરિ કરિ, કળાધારી નાચે મયૂરો,
જ્યાં જ્યોત્સનાથી તમ ટળિ જતાં રમ્ય લાગે પ્રદોષો. ॥ ૪ ॥

આનંદાશ્રુ વગર, નયને આંસુ હોયે ન બીજાં,
બીજો તાપ સ્મરવિણ નથી, જે શમે પ્રેમી જોતાં;
જ્યાં છે માત્ર પ્રણય કલહે, રુષણામાં વિયોગ,
યક્ષોને જ્યાં નથિ વય બિજું, માત્ર તારુણ્ય એક. ॥ ૫ ॥

જેમાં યક્ષો સ્ફટિકથિ જડી સ્વચ્છ બેસી અગાશી,-
તારાબિંવે કુસુમિત થતી, નારી લૈ વિલાસી;
સેવે પ્રીતે, રતિફળ મધુ કલ્પ વૃક્ષે દિધેલો,
તા’રા ધીરદ્વનિશિ ગરજ્યે ધીરી ધીરી મૃદંગો. ॥ ૬ ॥

જ્યાં ગંગાના જલથકિ શિળા વાયુને સેવી સેવી,
મંદારોની, તટપર ઉગ્યાં, શીળી છાંયે રમંતી,
શોધી કાઢે મણિ, કનકની રેતિમાં ઢાંકી ઊંડા,
યાચે જેને અમર, ફુટડી યક્ષની એવી કન્યા ॥ ૭ ॥

નીવીગ્રંથી ઢિલિ થઈ જતાં, રાગથી કામિઓ જ્યાં;
ખેંચી લેતા, ચપલ કરથી, ચીર બિંબાધરાનાં.
ફેંકે મુષ્ટિ કુમકુમ ભરી, લાજનીમારી તોયૈ;
રત્નોકેરા જળહળી રહ્યા દીપ, ના ઓલવાયે. ॥૮ ॥

જ્યાં વાયુથી ભવન શિખરે, મેઘ ખેંચાઈ આવી,
આલેખેલાં, જલકણવડે ચિત્ર નાંખે બગાડી;
તેથી જાણે ભયભીત થઈ, ધૂમના ગોટ જેવા,
જાળી માર્ગે થઈ વિખરતા મેઘ, તારા સમાણા. ॥ ૯ ॥

દેખાવાથી કિરણ શશિનાં, મેઘ વેરાઈ જાતાં,
ધીમે ધીમે જલ ટપકતા ગુંથિયા તંતુઓમાં;
ટાળે છે જ્યાં શ્રમ સુરતનો, રાત્રિએ ચંદ્રકાન્તો,
આલિંગાતાં દ્રઢ પિઉવડે, હાંફતી નારીઓનો. ॥ ૧૦ ॥

taintedsong.com taintedsong.com taintedsong.com

મેઘદૂત (પૂર્વમેઘ ૫૮-૬૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 21st, 2014 No comments
પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


દેખાયે છે પુનિત પગલાં શંભુનાં, ત્યાં શિલામાં,
ભાવે તેને ફરી, તું નમજે, યોગીથી જે પૂજાતાં;
જેને જોતાં ટળિ જઇ બધાં પાપ, આસ્થાળુઓની,
થાયે મુક્તિ શિવગણ પદે, દેહ છોડ્યા પછીથી ॥ ૫૮ ॥

પૂરાયેલા પવનથકિ જ્યાં વેણુ વાગે રસાળ,
ભેગી થૈને ત્રિપુરજયનાં કિન્નરી ગીત ગાય;
તેમાં તા’રો ધ્વનિ ગરજતાં, જેમ વાગે મૃદંગ,
વાદ્યો કેરો પશુપતિતણો, જામશે સર્વ રંગ ॥ ૫૯ ॥

જોતો જોતો, હિમગિરિ તણા પ્રાન્તની આવી લીલા,
હંસદ્વારે, ભૃગપતિતણી કીર્તિના માર્ગમાં, જા;
પેસી વાંકો થઈ વિચરજે ઉત્તરે કૌંચમાંથી,
શોભા પામી બલિદમનમાં વિષ્ણુના પાદ જેવી ॥ ૬૦ ॥

જા કૈલાસે, સુરવધૂતણા સ્વચ્છ આદર્શ જેવા,
કીધા જેના, ઉંચકી કરથી રાવણે સંધિ ઢીલા;
ઊંચા ધોળાં કુમુદ સરખાં શિખ્ખરે ઘેરી આભ,
જાણે રાશિરૂપ થઈ રહ્યો, શંભુનો અટ્ટહાસ્ય ॥ ૬૧ ॥

હોયે ધોળો જ્યમ, તરતનો હાથિનો દાંત વ્હેર્યો,
તેવો ગોરો ગિરિ, તું શિખરે બેસતાં મેશ જેવો;
શોભી રે’શે, બહુ નિરખવા યોગ્ય થૈ આંખ ઠારી,
જાણે ઊભા હલધર ખભે શ્યામળા વસ્ત્રધારી ॥ ૬૨ ॥

કાઢ્યા કેડે ભુજગવલયો, શંભુનો હાથ ઝાલી,
ક્રીડાશૈલે, કદિ વિચરતાં હોય ત્યાં ગૌરી ચાલી;
તો અભ્રોને જળ નવગળે તેમ તું ગોઠવીને,
થાજે અગ્રે મણિતટ જવા સારું, સોપાનરુપે ॥ ૬૩ ॥

કાઢી ધારા જળની, ઘસીને કંકણો કેરી ધારો,
કર્શે તા’રો સુરયુવતીઓ, સ્નાન માટે ફુવારો;
ગ્રીષ્મે પામી રમતી તુજશું, એમ જાવા ન દેતો,
કર્જે સૌને ભયભીત, કરી પ્રૌઢ તું ગર્જનાઓ ॥ ૬૪ ॥

સોનાકેરાં કમળથી ભર્યું માનનું વારિ પીતો,
ત્યાં તું ઐરાવતની સૂંઢના વસ્ત્રરુપે સુહાતો;
વાયુ પ્રેરી હલવી કુંપળો, વસ્ત્રશી, કલ્પવૃક્ષે,
ચેષ્ટા એવી વિવિધ કરતો મ્હાલજે એ નગેન્દ્રે ॥ ૬૫ ॥

જાણે એને પિયુસમ ગણી, વેઠી ઉત્સંગ આવી,
ગંગારુપી સરિ સરિ જતું ઉજળું વસ્ત્ર ધારી;
જાણી લેશે નગરી અલકા યક્ષની એ અમારી,
તા’રી દ્ર્ષ્ટે સહજ પડતાં મેઘ! તું કામચારી.
ઉંચા ઉંચા ભવન શિખરે , એ પુરી મેઘકાળે,
વારિબિન્દુથકી નિગળતાં, અભ્રનાં વૃન્દ ધારે;
તે શું જાણે પ્રિયતમ તણા, આવીને અંક માહે-
મોતી સેરો ગુંથી અલકમાં, કામિની બેઠી હોય ॥ ૬૬ ॥

taintedsong.com taintedsong.com taintedsong.com

મેઘદૂત (પૂર્વમેઘ ૪૫-૫૭) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 20th, 2014 No comments
પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વર્ષાબિન્દુ પડી ઉપસતી પૃથ્વીના ગંધવાળો,
હસ્તીઓથી મધુર સુંઢા સૂસવાટે પિવાતો,
ઠંડો વાયુ ફળ પકવતો ઉંબરાનાં વનોમાં,
વા’શે ધીરે અનુકૂળ થતો દેવગિરિ જતાં ત્યાં ॥ ૪૫ ॥

ત્યાં તો પુષ્પોરુપ બની જઈ, વ્યોમગંગાપ્રવાહે-
ભીનાં પુષ્પો વરસી, વસતા સ્કંદને પૂજી લેજે;
રક્ષા માટે ધર્યું શિવજીએ ઇન્દ્રસેનાની એહ-
અગ્નિ કેરા મુખમહીં, મહા સૂર્યથી ઉગ્ર તેજ ॥ ૪૬ ॥

જ્યોતિર્લેખાથકી ચળકતું પિચ્છ જેનું ભવાની,
પુત્રપ્રેમે કુવલય તજી રાખતાં કાન પે’રી;
નેત્રો જેનાં ધવલ શિવના ચંદ્રથી તે મયૂર,
ગાજી રે’તી ગિરિકુહરમાં ગર્જનાથી નચાવ ॥ ૪૭ ॥

જાતાં વંદી શરજનમને, છોડશે માર્ગ તારો,
સિદ્ધ દ્વંદ્વો જળકણ ભયે ઢાંકી દેતાં વીણાઓ;
કીર્તિ ગૌના વધની સરિતારૂપમાં રંતિદેવે,
મુકી હોયે, અહીં, તું નમજે, એવી ચર્મણ્વતીને ॥ ૪૮ ॥

જ્યારે લેવા જળ, નમિશ તું કૃષ્ણના વર્ણચોર!
જોશે ઠારી નજર નભથી, સિદ્ધ ગંધર્વ સર્વ;
એનો મોટો પટ દૂરથકી લાગતો સેર રૂપે,
જાણે માળા ભૂમિની વચમાં શોભતી ઇન્દ્રનીલે ॥ ૪૯ ॥

તે ઓળંગી, કુશળ અતિશે ભ્રૂલતા વિભ્રમોમાં,
કાન્તિ કાળી ધવળ પસરે પાંપણો ઊંચી થાતાં;
કુન્દો જાણે મધુકરભર્યા ડોલતાં હોય તેવી,
જોવાતો જા, દશપુરતણી નારીનો દ્રષ્ટિઓથી ॥ ૫૦ ॥

બ્રહ્માવર્તે જલધર પછી પેસતાં છાયરુપે,
ક્ષત્રિઓના વધ સૂચવતું, તું કુરુક્ષેત્ર જોજે;
વર્સે છે તું કમળવનમાં, તેમ ગાણ્ડીવધન્વા,
રાજાઓને મુખ વરસતો, બાણની વૃષ્ટિઓ જ્યાં ॥ ૫૧ ॥

બંધુપ્રીતિ ધરી, હલધરે, બેઉશું યુદ્ધ છોડી,
ત્યાગી ઝાઝી ગમતી મદિરા રેવતી નેત્ર સૉતી;
સેવ્યાં સારસ્વતી જલ જઈ સેવતાં તે તું આજ,
રે’શે શુદ્ધિ હ્રદયની થતાં, દેહથી શ્યામ-વર્ણ ॥ ૫૨ ॥

જાજે ત્યાંથી, કનખલ જહાં શૈલરાજેથી આવી,
વ્હે છે ગંગા સગરસુતના સ્વર્ગના માર્ગ જેવી;
જાણે કાઢે હસિ ફિણવડે, ગૌરીની ભ્રૂ ચઢેલી,
વીચિહસ્તે ધરિ શશિકલા શંભુના કેશ ઝાલી ॥ ૫૩ ॥

લંબાવીને મુખ નભથકી, ઇન્દ્રના હસ્તિ પેઠે,
જો ગંગાનું સ્ફટિક સરખું સ્વચ્છ, તું વારિ પીશે;
તો આ તા’રી વિશદ જળમાં, પેસતી શ્યામછાયે,
ગંગા વચ્ચે મળતી યમુના હોય, તેવી જણાશે ॥ ૫૪ ॥

જ્યાં બેઠાથી મૃગ મસમસે કસ્તુરીથી શિલાઓ,
જ્યાંથી ગંગા નીકળી, ગિરિએ હિમથી શ્વેતવર્ણો;
એને શૃંગે જઈ વિરમતાં, ટાળવા થાક તા’રો,
દેખાશે તું શિવજી વૃષભે પંકે જાણે ઉખાડ્યો ॥ ૫૫ ॥

વા’તાં વાયુ, સળગી ઉઠતો, દેવદારૂ ઘસાતાં,
પીડે અગ્નિ, ઉડી ચમરીના વાળને બાળતો ત્યાં;
વર્ષાવી તું, શીતલ કરજે, સેંકડો વારિધારા,
માને લક્ષ્મી સફળ, દુખિનાં કષ્ટ કાપી મહાત્મા ॥ ૫૬ ॥

કોપી મિથ્યા તલપી શરભો, અંગને ભાંગવાને,
રસ્તો કાપ્યા પછીથી તુજને જાય ઓળંગવાને;
તો તું તેને અતિશય કરા વર્ષી દેજે નસાડી,
ઠાલા યત્નો અફળ કરતાં હાંસી ના થાય કોની ॥ ૫૭ ॥

taintedsong.com taintedsong.com taintedsong.com

મેઘદૂત (પૂર્વમેઘ ૩૭-૪૪) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 19th, 2014 2 comments
પૂર્વમેઘ ૩૮The Courtesan of Chandishwar Temple in UjjainImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

પૂર્વમેઘ ૩૮
The Courtesan of Chandishwar Temple in Ujjain
Image courtesy joshiartist.in © Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જો તું દા’ડે જળધર મહાકાલને ધામ પો’ચું,
તો ત્યાં રે’જે દિવસ સઘળો આથમે ત્યાં સુધી તું;
સંધ્યા પૂજા શિવતણી થતાં, ગર્જના રૂપ તારી,
કર્જે આત્મા સફળ, મધુરી નોબતો ગર્ગડાવી ॥ ૩૭ ॥

દેખાયે છે ત્રિવલી ઉદરે, જેની રત્નપ્રભાથી,
એવાં તેજે જળહળી રહ્યાં ચામરો હાથ ઝાલી;
લીલાથી ત્યાં ચમરી શિવને ઢોળતાં, હાથ થાકે,
નૃત્યે જેના પગ ઠમકતાં, મેખલા ઝીણી વાગે;
પાયે દુખે ઘસઈ નખિયાં, અંગુઠે તાલ આપી,
તેને જ્યારે નવજલકણે, મેઘ ! તું દૈશ શાન્તિ;
ત્યારે તા’રાભણિ મુખ કરી, ત્યાંની વારાંગનાઓ,
જોશે નાખી મધુકરતણી શ્રેણી જેવાં કટાક્ષો ॥ ૩૮ ॥

નૃત્યારંભે કર, શિવતણા મંડલાકાર ઘેરી,
રાતું સંધ્યાતણું નવજપાપુષ્પશું તેજ પામી;
તું હસ્તીના રુધિર ગળતા ચર્મરુપે થવાથી,
ભક્તિ તારી સ્થિર નયનથી જોઇ રે’શે ભવાની ॥ ૩૯ ॥

ચાલી જાતી રમણ સમીપે નારીને, રાજમાર્ગે,
મોઢે મોઢું જરી નવ સુઝે એવી અંધારી રાતે;
સોનારેખા સમ વીજળીથી માર્ગ દેજે બતાવી,
ના તું વૃષ્ટિ કરી ગરજતો, બ્‍હી જશે તે બિચારી ॥ ૪૦ ॥

ત્યાં સૂતેલાં કબૂતરભર્યા મ્‍હેલના કો ઝરુખે,
ખેલી થાક્યાં વીજળી વહુનો થાક ઉતારવાને;
રાત્રિ ગાળી, સૂરજ ઉગતાં કાપજે બાકી માર્ગ,
માથે લીધા પછી સુહ્રદનું છોડી દે કાર્ય કોણ ॥ ૪૧ ॥

લૂછે આંસુ, પ્રિય ઘરભણી આવીને ખંડિતાનાં,
તે વેળા તું વિખરઈ જજે, સૂર્ય ના ઢાંકી દેતાં;
હીમાશ્રૂને નલિની મુખથી લુ્છવા એય જાશે,
માટે એના કર રુંધિશ તો, ખૂબ રોષે ભરાશે ॥ ૪૨ ॥

ગંભીરાના હ્રદય સરખા સ્વચ્છ વારિપ્રવાહે,
તા’રો આત્મા સુભગ ઠરશે ત્યાં જઈ છાંયરુપે;
ઉડી રે’તા કુમુદવરણાં મત્સ્ય રુપી કટાક્ષો,
જોજે એનાં અફળ કરતો, મેઘ થૈ ખૂબ મોંઘો ॥ ૪૩ ॥

ઢીલું થાતાં, ઉતરી પડતું તીરરુપી નિતંબે,
લાજી એણે, કરથી પકડી રાખીયું હોય જાણે;
તેવી રીતે તટપર ઉગી નેતરોમાં ભરાયું,
ખેંચી લેતાં જળરુપી રૂડું શ્યામળું વસ્ત્ર એનું.
નિશ્ચે તા’રું ઝુકી ઝુકી જશે ભારથી પૂર્ણ અંગ,
ધારું છું જે બહુ કરીશ તું, ત્યાંથી જાતાં વિલંબ;
ચાખ્યા કેડે સુરતરસને કોણ એવો હશે જે,
પાસે ઊભી વિવૃતજઘના કામિની છોડી દેશે ॥ ૪૪ ॥

taintedsong.com taintedsong.com taintedsong.com