મારા નયનમાં – કમલેશ સોનાવાલા

December 18th, 2013 10 comments
આલ્બમ:સંગઠન
સ્વરકાર:કૌમુદી મુનશી
સ્વર:અશ્વિની ભીડે દેશપાંડે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા નયનમાં, પોઢ્યા છે શ્યામ,
વાટ તારી જોતી, શ્યામ તને શોધતી,
ક્યારે સંતાયા ઘનશ્યામ.

ધીમા ધીમા પગલાં લઈ, જમુનાના તીરે,
શોધું છું તમને મારા શ્યામ,
સરક્યા જમુનાજીમાં, અશ્રુ મારા નૈનથી,
તો જમુનાનાં નીર થયા શ્યામ.

ખાલી ગાગર ભરી, જમુનાના જળ સખી,
ઊંચકી તો, કમર મારી લચકી,
ભોળી હું એટલી, કેમેય ન સમજી,
કે જળમાં છુપાયા’તા શ્યામ.

જીવનની સાંજ પડી, નીંદર ઘેરાણી સખી,
ભવ ભવની પ્રીત લઈ પોઢી, હું શ્યામ સંગ,
કે હવે ખોલશો ન પોપચા લગાર.

taintedsong.com taintedsong.com taintedsong.com

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

December 16th, 2013 11 comments
આલ્બમ:અદ્દભુત
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ
વીત્યાં વર્ષોની, પળેપળ વાંચીએ

છે જુનો કાગળને, ઝાંખા અક્ષરો
કાળજીથી ખોલીને, સળ વાંચીએ

પત્ર સૌ પીળા પડ્યા, તો શું થયું
તાજે તાજું છાંટી, ઝાકળ વાંચીએ

કેમ તું રહીરહીને, અટકી જાય છે
મન કરી કઠ્ઠણને, આગળ વાંચીએ

માત્ર આ પત્રો, સીલકમાં રહી ગયા
કંઈ નથી આગળ, તો પાછળ વાંચીએ

taintedsong.com taintedsong.com taintedsong.com

મન થઇ જાય છે – ભરત વિંઝુડા

December 3rd, 2013 13 comments
સ્વરકાર:સપના શાહ
સ્વર:અટ્ટા ખાન, જીગીષા ખેરડીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઇએ પ્રાસ
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !

taintedsong.com taintedsong.com taintedsong.com

પુણ્ય ભારતભૂમિ – રાજેન્દ્ર શાહ

August 15th, 2013 7 comments
આલ્બમ:નિરુદ્દેશે
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:અજિત શેઠ, નિરુપમા શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.

જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિત સ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી-ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હે;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

જહીં સત્ય, નિર્મલ ચિત્ત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય-મનનો મેળ, સંગ
નિ:સંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

જય નિમ્ર ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે;
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

taintedsong.com taintedsong.com taintedsong.com

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

April 20th, 2013 13 comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:પાર્થિવ ગોહિલ
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગનાં અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે

taintedsong.com taintedsong.com taintedsong.com