આકાશે ધોધમાર – અંકિત ત્રિવેદી
સ્વરાંકન: નયનેશ જાની
સ્વર: પ્રાચી શાહ, તેજસ ધોળકિયા
આકાશે ધોધમાર બંધાતા રોજ
તોય ઈચ્છા વિનાના સાવ પાંગળા,
આપનો સબંધ જાણે
વરસ્યા વિનાના રહ્યાં વાદળા.
કોડિયામાં પ્રગટેલા અજવાળા જેમ
એકબીજામાં ઝળહળતા આપણે.
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું
શરતોનું સરનામું પાંપણે.
શમણાના તૂટવામાં એવું લાગે કે જાણે
હાથમાંથી છૂટાં પડ્યા આંગળા.
અંતરથી અંતર જો માપો તો આમ
અમે પાસે ને આમ દૂર દૂર,
કિનારે પહોચેલાં મોજાની જેમ અમે
દરિયાથી છૂટવા આતુર.
ચહેરાના ભાવ બધા વાંચી શકાયે
તોયે આંખોને લાગે કે આંધળા.
નાછૂટકે લેવાતા શ્વાસોમાં વર્તાતી
સંગાથે જીવ્યાની ભૂલ,
આપણા જ ક્યારામાં આપને જ વાવેલું
સુગંધ વિનાનું એક ફૂલ.
સાથે રહ્યાની વાત ભૂલી જઈને
આજ છૂટાં પડવાને ઉતાવળા.
કો’કના તે વેણને – મકરંદ દવે
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય
કો’કના તે વેણને વીણી વીણી ને વીરા
ઉછી ઉધારા ના કરીએ;
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે
ને મોરલો કોઈની કેકા;
માનવીનું કાળજ તે કેવું કર્યું
પીડ પોતાની, પારકાં લહેકા.
રૂડાં રૂપાળા સઢ કોઈના શું કામના,
પોતાને તુંબડે તરીએ..
પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઈએ એક સૂર;
ઝીલનારું એને ઝીલી લેશે
ભલે પાસે જ હોય કે દૂર.
ઓલ્યા તે મોતમાં જીવી ગયા ને વીરા,
જીવતાં ન આપણે મરીએ…
કોઈની બુદ્ધિના પાંજરામાં – પન્ના નાયક
પઠન: પન્ના નાયક
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
પવન ફરકે તો – અમર પાલનપુરી
સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
સ્વર: શેખર સેન
પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આવે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનના અશ્રુઓ માયા નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આપી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ બાકી અમર હમણાં જ સૂતો છે.
અમર જીવ્યો છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મલાજો મોતનો રાખી અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી હવે શું બાંધશે દુનિયા,
બધાયે બંધનો ત્યાગી અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે દુનિયા,
સમયની કૂચમાં થાકી અમર હમણાં જ સૂતો છે.
કોઈની મદીલી નજર – શૂન્ય પાલનપુરી
સ્વરાંકન: સ્નેહલ મજુમદાર
સ્વર: ધનાશ્રી પંડિત
“આપ મારી વફા નહીં સમજો
આંખ નિજના પડળ ના જોઈ શકે,
દોષ છે ‘શૂન્ય’ સૌ સુકાનીનો
નાવ પોતે વમળ ના જોઈ શકે.”
કોઈની મદીલી નજર છે ને હું છું,
આ ખુમારી ભરેલું જીગર છે ને હું છું.
નથી ના ખુદાને, ખુદા પર ભરોસો,
હવે નાવડી છે, ભવર છે ને હું છું.
નડે છે અનાદીથી ચંચળતા મનની,
આ વિરામ જીવન સફર છે ને હું છું.
જનારા ગયા ને ગયું સર્વ સાથે,
હવે ‘શૂન્ય’ વિરાન ઘર છે ને હું છું.
ભજન કરે તે જીતે – મકરંદ દવે
સ્વરાંકન / સ્વર: અમર ભટ્ટ
તુલસીદલથી તોલ કરો
તો બને પવન પરપોટે,
અને હિમાલય મુકો હેમનો
તો મેરુથી મોટો.
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ ખોટના ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે.
સહેલીશ તું સાગર મોજે કે
પડ્યો રહીશ પછી તે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.
આવ હવે તારા ગજ મૂકી
વજન મુકીને વરવાં
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.
ડંખે છે દિલને – મરીઝ
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
“મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
મહેંકી રહી છે એમની કલંક થઈને મહોબ્બત,
જીવનના વસ્ત્ર પર કોઈ અત્તરનો ડાઘ છે.”
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.
કેવા જગતથી દાદ મેં માંગી પ્રકાશની,
હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.
રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: આલાપ દેસાઈ
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માંગણીઓ થાય છે.
હસ્તરેખા જોઈને સુરજને કુકડાએ કહ્યું,
આભના પ્રરબદ્ધમાં બહુ ચડઉતર દેખાય છે.
બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપીયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે.
ક્યાંક જાતો હશે એ માનીને ચાલ્યો હતો,
પણ હવે રસ્તો પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે?
મા ભોમ ગુર્જરી નમો નમો – ઈંદિરાબેટીજી
સૌ મિત્રોને ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

(ફોટો: સ્વર્ણિમ ગુજરાત )
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ, આશિત દેસાઈ, ચંદુ મટ્ટાણી
મા ભોમ ગુર્જરી નમો નમો
હે વિશ્વ મધુરી નમો નમો
તવ રગ રગ રેવા ધસમસતી
તવ ખોલે તાપી ઊછળતી
તવ જલધિતરંગે હેત ભરી
અમૃતની ઝરણી નીતરતી
હે વિશ્વમંજરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તવ મસ્તક પાવા ઈડરિયો
ગઢ ગિરનારી ટોપી ઝગતી
તું શત્રુંજય સાપુતારા
ગિરિમાળાના શિખરે રમતી
હે વિશ્વનિર્ઝરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તું કૃષ્ણની કર્મભૂમિ થઈને
તું મુકુટસમી જગમાં દીસતી
તું ગાંધીની જનની મીઠી
તવચરણે દુનિયા સહુ નમતી
હે વિશ્વવલ્લરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તવ મુખમાં નર્મદ – નરસિંહની
કોઈ પંક્તિ રસવંતી વહેતી
તું શૌર્યભરી, તું સ્નેહ ભરી
તું દયારામ – ગરબે ઘૂમતી
હે વિશ્વબંસરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તું પ્રેમમયી તું પ્રાણમયી
તવ બાળને માથે કર ધરતી
હું શ્રાવણી તું જનની મોરી
તવ ચરણે શીશ ધરી નમતી
હે વિશ્વદુલારી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
છોડીને આવ તું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: આનલ વસાવડા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એજ ઘર છું એજ ભલેને આવ તું.
પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું,
મારો દરેક શબ્દ તું, મારું સ્વભાવ તું.
‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.








