ઓ વનવગડાના વણઝારા – અવિનાશ વ્યાસ
સ્વરાંકન: અવિનાશ વ્યાસ
સ્વર: અભરામ ભગત
ઓ વનવગડાના વણઝારા રે
જોને મારગ ચીંધે તને ગગનનાં તારા રે..
હેજી કાળી રાતનો માથે માંડવાનો ને
મારગ જે નોધારાં રે.. વણઝારા રે..
કંટક કેરી કેડી ખેડી તારે જાવું દૂરને દેશ
જડે જરી વિસામો વાતે, છે વિખરો તારો વેશ
એજી તારી ખેપમાં બાંધ્યા તેં તો
પાપ પુણ્યના ભારા રે.. વણઝારા રે..
તુજ પગથી પર ફૂલને પત્થર એ બે ઠેલા ખાય રે..
સુખ દુ:ખના ઓળા અમથા આવે એવા જાય
એજી તરસ્યા તનમન મૃગજળ દેખેને
અંગ બને અંગારા રે.. વણઝારા રે..
તારે મારગ મળે ન ભોમિયો ને ભૂલતો જાય પગથાર
હે જીવનભરનો જમા કરેલો તારે રે માથે તારો ભાર
હેજી જોઈ આવ્યો ઓલો ધરતીનો છેડો
તને કોણ કરે અણસારા રે.. વણઝારા રે..
કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં.
ફૂટી ગયેલા આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે
એમ આપણને ઉગ્યો સબંધ.
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં
જોજનનાં પૂર હવે વેહતાં..
તમે મારામાં આરપાર રહેતાં..
આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંક મારું હોવું.
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને
જળનો આકાર તમે લેતાં..
તમે મારામાં આરપાર રહેતાં..
ધેનુકાની આંખોમાં – સુરેશ દલાલ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સૌમિલ મુનશી અને વૃંદ
ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,
પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !
ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલે ને મીરાં એના મોહનને માંગે !
અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા
સાંભળું તો તને ખાલી પડઘા સંભળાય
તને શોધું સિતારના વનમાં
ટમકીને કો’ક વાર ઈશારા
વાત છાની રાખીશ મારા મનમાં.
આ ગુલમહોર મહેક્યાં વરસી વાદલડી
ધુંધળી સંધ્યા રંગ લાલમડી
અને તમે યાદ આવ્યા..
પેલાં આંખ્યુંનાં અંજન, શાંત રાતલડી
એક અનેરી પ્રેમ વાતલડી
અને તમે યાદ આવ્યા..
ભૂલવા ચહું હું સુની રે તલાવડી
સરકે સરિતા અશ્રુ આંખલડી
અને તમે યાદ આવ્યા..
આ ઝંઝાવત પલ એકલડી
દિલના દરિયામાં નહીં આ નાનકડી
અને તમે યાદ આવ્યા..
તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી
સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
નભ ખોલીને જોયું – ચંદ્રકાન્ત શેઠ
પ્રસ્તાવના / સ્વર: અમર ભટ્ટ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ એવો ચમકાર?
કશુંયે ચમકે નહીં;
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયા નૂર, નજર એ નથી નથી.
લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલા ક્યાં જાય?
મને સંજય નહીં;
આ તે કેવા દેશ? દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! હું જ ત્યાં નથી નથી.
તું મને એટલી બધી – યામિની ગૌરાંગ વ્યાસ
સ્વરાંકન / સ્વર: શૌનક પંડ્યા
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.
પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર
સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે.
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..
પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું
હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..
એવા ફરી આ બાગમાં…
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધાય
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ
જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.
અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની ક્ષમતા બુજાવીએ.
નહીંતો ધરાના લોક એને માનશે નહીં,
ઈશ્વર વિષે થોડી હવે અફવા ઉડાડીએ.
હા ગોવર્ધન એ પોતે જ ઊંચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ.
હું તને પ્રેમ કરું છું – તુષાર શુક્લ
સ્વરાંકન / સ્વર: નયન પંચોલી
પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
——————————————
સાભાર: નયનભાઈ પંચોલી
રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ
સ્વરાંકન / સ્વર: અમર ભટ્ટ
રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં
આવકારા દેશું સાનમાં
હરિ સંગ નહીં બોલીએ
આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહીં બોલીએ
લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું
મુખવાસા દેશું પાનમાં
હરિ સંગ નહીં બોલીએ
મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દઈ દેશું દાનમાં
હરિ સંગ નહીં બોલીએ








