બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.
તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે ‘દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..
ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
સ્વર: આરતિ મુન્શી
હો તેઁ તો મટકીમાં મૂક્યું અંકાશ, ઘેલી ગોવાલણ
હોં તેં તો આખ્યું આંજ્યો ઉજાસ, ઘેલી ગોવાલણ
કોરી મટકી મહીં ભરેલી છલક છલક થાય
પાંપણ જેવી પાંપણ વચ્ચે દરિયા હિલોળાય.
મારગ મળીયા માધવ ગોપી આકળ વિકળ થાય
તન તો એનું તરણા જેવું વાંસળી થઈ વાય.
હો મોરપીંછાનો મુકટ લહેરાય, ઘેલી ગોવાલણ
તારી મનમાં મન ના માય, ઘેલી ગોવાલણ
તને કાનુડે નજરી ન્યાલી રે, હો રસ લેવા છે
અલી આવી તું ક્યાંથી રૂપાળી રે, દલડા દેવા છે
ભાન ભૂલી ગઈ આંખડી ઢાલી રે, હો રસ લેવા છે
પછી અંદર ને બહાર વનમાળી રે, દલડાં દેવા છે
હો તું ગોરીને મટકી કાળી, ઘેલી ગોવાલણ
કાન બેઠા કદંબની ડાલી, ઘેલી ગોવાલણ
મહીંને બદલે માધવ લ્યો રે, વેચે રજની નાર
કોણ મુલવે મૂલ અમુલા, કૌતક અપરંપાર
ગોકુળ ગોરસ વનરાવન ને હૈયાનાં ધબકાર
આસુંની યમુના ઓળંગી કોણ ઉતર્યું પાર
હો તેં કેવા તે સાંધ્યા રે તાર, ઘેલી ગોવાલણ
ત્રીભુવનમાં થઈ ગઈ કાર, ઘેલી ગોવાલણ
સ્વરાંકન/સ્વર: નયનેશ જાની
પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે કરું કે
વાત કરું કે કરું વાર્તા, સાજન તમને ગમે કરું કે.
ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું, સાજન તમને ગમે કરું કે.
આસું ને ઝાકળ એ બન્ને રોજ ખરે પણ કોણ ઝીલતું
પુષ્પ અગર તો પત્થર બનવું, સાજન તમને ગમે કરું કે.
મનગમતી વાતો જે મનમાં, મનમાં મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું, સાજન તમને ગમે કરું કે.
સ્વર: મિતાલી સીંગ
ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.
તાંદુલનીપોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ હવે
વિરહાના રાજ નહીં જીતો ગોકુળનાં.
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !
હવે રાધાને મુખ ના બતાવશો..
પાંદડે કદમ્બનાં, પાંપણની ભાષામાં
લખી લખી આંખ હવે ભરીએ,
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે.
લખિતંગ રાધાના ઝાઝા જુહાર:
શ્યામ, અંતરમાં ઓછુ ના લાવશો !
હવે રાધાને મુખ ના બતાવશો..
હળવા તે હાથે ઉપાડજો અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ.
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ.
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ.
હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો;
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ.
સ્વર: શુભા જોશી
અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું,
અંદર તો એવું અજવાળું, અજવાળું.
ઊંડે ને ઊંડે ઊતરતાં જઈએ ને તો ય લાગે કે સાવ અમે તરીએ,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ,
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું.
અંદર તો એવું અજવાળું.
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ,
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું.
સ્વર: શ્યામલ મુન્શી
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર.
પાણી તો ધસમસતા વહેતા રહે ને આમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નૂપુર.
ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ આંખોમાં ઝલમલતું નૂર.
કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળીયાની વેણ એક વાંસળીના વેણ,
મારગ તો મથુરાનો પીંછુ તો મોરપિંછ નેણ એક રાધાના નેણ,
એવા તે કેવા ક્હેણ તમે આવીયા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર.
સ્વર: ભુપિન્દર – મિતાલી સીંગ
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમકે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.
રાત દિ’નો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દા’ડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુંને દઈ દીધો છે ભવનો કારાવાસ.
ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ.
સ્વર: કવિતા કૃષ્ણમુર્તિ
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.
આલ્બમ: હસ્તાક્ષર
સ્વર: દિપાલી સોમૈયા
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
ખોળો વાળીને હજુ રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર,
ફેર હજી એ ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું,
જોબનનું થનગનતું ગાન!
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને,
ભૂલી જવાના વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું,
ચોરી ગયું રે કોઈ ભાન!
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!