Archive

Click play to listen all songs in ‘આશિત દેસાઈ’ Category
This text will be replaced by the flash music player.

કોને ખબર? – રમેશ પારેખ

July 14th, 2009 5 comments

સ્વર: આશિત દેસાઈ

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર?

શાહીમાંથી આમ ક્યાં ઢોળાય છે તારા સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર?

માછલીએ એકદા જળને પૂછ્યું તું કોણ છે?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર?

taintedsong.com taintedsong.com taintedsong.com

કલરવો – સુરેન ઠાકર ‘મેહુલ’

June 18th, 2009 7 comments

સ્વર: આશીત દેસાઈ

કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી, આજેય બચપણ સાંભરે

આયખા આડે જો ધુમ્મસ હોય, તો પણ સાંભરે
ક્યાંક બિંબાયો હતો, એ મનનું દર્પણ સાંભરે

ગ્હેક પીધી ને, રમેરગથી, કસુંબલ થઈ ગયો
આયખે અનહદ ભર્યો, એ ટહૂકે સાજણ સાંભરે

કો’ક દિ એવું બને, કે આંખમાં આંધી ચઢે,
કો’ક દિ એવું બને, કે વાત બે ત્રણ સાંભરે

taintedsong.com taintedsong.com taintedsong.com

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ

May 26th, 2009 5 comments

સ્વર: આશિત દેસાઈ

કે કાગળ હરિ લખે તો બને,
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને.

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને.

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને.

taintedsong.com taintedsong.com taintedsong.com

તારાપણાના શહેરમાં – જવાહર બક્ષી

May 18th, 2009 10 comments

સ્વર: આશિત દેસાઈ

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું,
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
——————————————–
સાભાર: લયસ્તરો

taintedsong.com taintedsong.com taintedsong.com

માંડવાની જૂઈ – જીતુભાઈ મહેતા

May 5th, 2009 11 comments

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

અમથી અમથી મૂઈ,
ઓલ્યા માંડવાની જૂઈ.

કંપી કંપીને એ જીવન જીવી ગઈ,
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ,
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

હે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
હે ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

taintedsong.com taintedsong.com taintedsong.com

શબ્દ કેરી પ્યાલીમાં – તુષાર શુક્લ

March 16th, 2009 18 comments

મિત્રો,

આજે ૧૬ માર્ચ, રણકારનો જન્મદિવસ. આજે સૂર અને સંગીતની આ સફરનાં બે વર્ષ પૂરાં થયા. આ સફરમાં જે મિત્રોનો, રણકારનાં શ્રોતાઓ તથા વાચકોનો સાથ-સહકાર સાંપડ્યો છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ વગર આ સફર આમ અવિરત રીતે ચલાવવી શક્ય નહોતી.

સ્વર: આરતિ મુન્શી, આશિત દેસાઈ
સ્વરાંકન: શ્યામલ-સૌમિલ મુન્શી

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

taintedsong.com taintedsong.com taintedsong.com

પંખીડા રે ઉડી જાજો..

September 30th, 2008 16 comments

સ્વર: આશિત દેસાઈ

પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજો ગરબે રમે રે
પંખીડા.. ઓ પંખીડા..

ઓલ્‍યા ગામના સુથારી વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી ચૂંદડી લાવો રે
સારી લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

ઓલ્યા ગામનાં મણીયારા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ચૂડલો લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

ઓલ્‍યા ગામના કુંભારી વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ગરબા લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

taintedsong.com taintedsong.com taintedsong.com

અમે રાખમાંથીયે – હર્ષ બ્રહ્મભટ્ટ

April 15th, 2008 11 comments

સ્વર: આશિત-હેમા દેસાઈ

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના,

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના!

taintedsong.com taintedsong.com taintedsong.com

ફરી ન છૂટવાનું બળ – જવાહર બક્ષી

April 8th, 2008 4 comments

સ્વર: આશિત દેસાઈ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.

taintedsong.com taintedsong.com taintedsong.com

જે ગમે જગત ગુરુ – નરસિંહ મહેતા

April 1st, 2008 7 comments

સ્વર: આશિત – હેમા દેસાઇ

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
જે ગમે જગત..

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે.
જે ગમે જગત..

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.
જે ગમે જગત..

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે.
જે ગમે જગત..

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે.
જે ગમે જગત..

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.
જે ગમે જગત..

taintedsong.com taintedsong.com taintedsong.com