સ્વર: આરતિ મુન્શી
હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.
હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.
હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.
નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.
મિત્રો,
આજે વાત કરવી છે એક બાળ પ્રતિભાની. દુનિયાનાં સૌથી નાની વયનાં સંગીત કમ્પોઝર રીશીત ઝવેરી! સુરતમાં રહેતા ૧૭ વર્ષનાં રીશીત ઝવેરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ના Youngest Music Composer of India 2006 – 2007 નાં વિજેતા છે. તેમણે હમણાં જ ૧૨ સાયન્સની પરીક્ષા આપી છે અને પોતાનાં ઘરમાં જ બનાવેલા સ્ટુડીઓમાંથી અત્યાર સુધીમાં ત્રણ આલ્બમ (આભનો એક જ મલક, તાનપુરા મિલા રહા હૈ કોઈ અને જૈન સ્તવન શ્રી પાર્શ્વ સ્તવનાવલી) બહાર પાડી ચુક્યા છે. આલ્બમ ‘આભનો એક જ મલક’નાં બધાં જ ગીતો કર્ણપ્રીય સંગીત સાથે સુંદર રીતે ગવાયેલા છે. સાંભળીએ એજ આલ્બમનું ટાઈટલ સોંગ. સાથે જ રીશીતને ઉજ્જ્વળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ તેમનો rrjhaveri_sdrs@hotmail.com પર સંપર્ક કરી શકો છો.

(રીશીત ઝવેરીનાં આલ્બ્મ 'આભનો એક જ મલક'નાં વિમોચન કરતા રૂપીનભાઈ પચ્ચીગર, રીશીત અને કવિ નયન દેસાઈ)
સ્વર: શૌનક પંડ્યા
સ્વરાંકન: રીશીત ઝવેરી
સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
———————————————–
રીશીતનું અન્ય એક ગીત સાંભળો: એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી
સ્વર: સૌમિલ મુન્શી
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
ના, ના, નહીં ધિક્કારવા જેવો,
માણસ અંતે ચાહવા જેવો.
ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને
ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.
હિમશીખાની શાતા જેવો,
વડવાનલ કે લાવા જેવો,
અવસર માતમ લાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે.
માણસ કેવો? માણસ તો માણસના જેવો.
જેવો તેવો હોય છતાંયે
સાચા દિલની વાહ-વાહ જેવો
માણસ અંતે ચાહવા જેવો.
સ્વર: ભુમીક શાહ
ફૂલ પાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી લાવ
નદીનાં તટ પર તારું નામ લખી દઉં.
અધીર થઈને કશુંક કહેવા ઉડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમાન તવ હોઠ જરા જ્યાં ફરકે
ત્યાંતો જો આ વહેતાં ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીતાનો કલશોર મદિરો ધબકે
વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઉંચે જોતી
ત્યારે તારી માછલીઓને મસ્તી શી બેફામ
લાવ નદીનાં પટ પર ઠામેઠામ લખી દઉં.
તક મહેદી રંગ્યા હાથ લઉંને
મારું પણ ત્યાં નામ લખી દઉં.
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:કૃષાનુ મજમુદાર
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખુટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
સ્વર: આરતિ મુન્શી
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ રે..
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો મૂકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે
અરધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ શ્યામનો સરજ માથે, મીરાં સૂરજમુખી રે
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
સ્વર: શ્યામલ મુન્શી
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?
જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે?