Archive

Click play to listen all songs in ‘શ્યામલ મુન્શી’ Category
This text will be replaced by the flash music player.

જા રે ઝંડા જા – અવિનાશ વ્યાસ

January 26th, 2009 3 comments

Tirango

સ્વર: શ્યામલ મુન્શી, આરતિ મુન્શી

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઈને મગન, લહેરા જા..

મૂકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા. જા..
જા રે ઝંડા જા..

શહીદ થઈને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઈ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા..
જા રે ઝંડા જા..

દિવાલ થઈને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાનો રંગ ઢળે

આભને બુરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા..
જા રે ઝંડા જા..

taintedsong.com taintedsong.com taintedsong.com

આંખોમાં આવી રીતે – રમેશ પારેખ

December 8th, 2008 3 comments

સ્વર: શ્યામલ મુન્શી

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

taintedsong.com taintedsong.com taintedsong.com

એવા આ હસ્તાક્ષર – શ્યામલ મુન્શી

October 15th, 2008 6 comments

સ્વર: જગજીત સિંહ

અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર
ફૂલ ફૂલની ઓળખ લઈને ખુશ્બુ વહેતી ઘર ઘર
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.

taintedsong.com taintedsong.com taintedsong.com

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

September 18th, 2008 8 comments

સ્વર: શ્યામલ મુન્શી

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર.

પાણી તો ધસમસતા વહેતા રહે ને આમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નૂપુર.

ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ આંખોમાં ઝલમલતું નૂર.

કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળીયાની વેણ એક વાંસળીના વેણ,
મારગ તો મથુરાનો પીંછુ તો મોરપિંછ નેણ એક રાધાના નેણ,
એવા તે કેવા ક્હેણ તમે આવીયા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર.

taintedsong.com taintedsong.com taintedsong.com

આ આદિ-અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ

September 17th, 2008 4 comments

સ્વર: શ્યામલ મુન્શી

આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો, ચતુર પંખનું પાંદડું,
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,
ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

taintedsong.com taintedsong.com taintedsong.com

સંગાથે સુખ શોધીએ – તુષાર શુક્લ

July 29th, 2008 9 comments

સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર: આરતી – સૌમિલ મુન્શી

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મઝીયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

taintedsong.com taintedsong.com taintedsong.com

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

June 23rd, 2008 1 comment

સ્વર: શ્યામલ મુનશી

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

આટલું બધું વ્હાલ – સુરેશ દલાલ

June 17th, 2008 5 comments

સ્વર: શ્યામલ મુન્શી

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે?

taintedsong.com taintedsong.com taintedsong.com

પ્રેમને રંગ શું ને રૂપ શું? – રમણભાઈ પટેલ

June 2nd, 2008 4 comments

સ્વર: આરતી – સૌમિલ મુન્શી
સંગીત: શ્યામલ – સૌમિલ મુન્શી

ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

હૈયું રમતું આકાશના તારે, ચાંદલિયા ધારે,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હું તો શોધું શોધું ને ના મળતું, ભીતરમાં જ જડતું,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ન છોને દીઠો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી, બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

taintedsong.com taintedsong.com taintedsong.com

સભર સુરાહિ – રાજેન્દ્ર શુક્લ

December 5th, 2007 7 comments

સ્વર: સૌમિલ – શ્યામલ મુનશી

સભર સુરાહિ લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વનવન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઉડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છુવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કંહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન! સચિદનંદા ગઝલ
————————————-
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ ગુજરાતી સાહિત્યનાં ઋષિ સમાન કવિ છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યેજ કોઈ એવો પુરસ્કાર હશે જે તેમને અર્પણ ન થયો હોય. તેમનાં સુપુત્ર ધૈવતભાઈ શુક્લ એ કવિશ્રી ની પોતાની વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. ત્યાં આપને કવિ પરિચય તેમજ કવિશ્રીની વધુ રચનાઓ તેમનાં પોતના જ સ્વરમાં સાંભળવા મળશે. તો રાજેન્દ્ર શુક્લ.કોમ ની મુલાકાત લેવાનું ચુકતા નહીં.

taintedsong.com taintedsong.com taintedsong.com