સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધાય
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ
જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.
અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની ક્ષમતા બુજાવીએ.
નહીંતો ધરાના લોક એને માનશે નહીં,
ઈશ્વર વિષે થોડી હવે અફવા ઉડાડીએ.
હા ગોવર્ધન એ પોતે જ ઊંચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ.
સ્વરાંકન: દિલીપ ધોળકિયા
સ્વર: હંસા દવે
મુને અંધારા બોલાવે,
મુને અજવાળા બોલાવે.
હું વનવગડામાં પેઠી છું,
હું લાગણીયોથી હેઠી છું,
હું બેહરી થઈને બેઠી છું,
મુને સપનાઓ સળગાવે.
મુને અંધારા..
આ રાત હૃદયમાં થાકી છે,
આ પ્રીતની પાની પાકી છે,
આ સુખને દુ:ખ પણ બાકી છે,
મુને લાજશરમ લલચાવે.
મુને અંધારા..
આ લીલાવનને માંડવડે,
આ પાનેતરને પાલવડે,
આ જીવતર ઝગડે મારગડે,
મુને હોશ વિનાં હરખાવે.
મુને અંધારા..
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
ખુદાને પામવાનું નામ શ્રદ્ધા,
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા.
ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુ:ખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.
તમે આવો નહીં ને તે છતાંયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.
સંબંધો તૂટે એનું નામ શંકા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા.
સ્વર: હંસા દવે
એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
ભર તું બપ્પોર મારી આંખો લઈ
ગોકુળિયું ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ
ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય
તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો
વાંસળી વગાડવાનો આખર તો પાળજે.
એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
સંગીત: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
પાપની બેડલી બૂડે રે બૂડે
સતની બેડલી તરે રે તરે.
ધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.
સાચને આંચ એવું કરીશ મા,
ને આ રે દાનવતામાં પગલું ભરીશ મા,
સંયમ વિનાના આભેથી તારલા ખરે રે ખરે.
કરમાં ભાલો શોભે અને કેસર રૂપ શરીર,
લીલે ઘોડલે કરે સવારી હે રણુજાનો રામદેવ પીર.
ધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.