સ્વર: દિપાલી સોમૈયા, પાર્થિવ ગોહિલ
સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.
હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.
સખીઓ સંગાથે કેવા ઘૂમે છે,
ફરરર ફૂંદડી ફરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.
હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.
સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.
સ્વર: પાર્થિવ ગોહિલ
મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?
પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: પાર્થિવ ગોહિલ, જહાનવી શ્રીમાંનકર
એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..
એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..
બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વરાંકન: રૂપકુમાર રાઠોડ
પુછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ,
આભમાં જોને જેટલા વાદળ એટલો પાગલ.
ઝાડનું નાનું ગામ વસાવ્યું ને,
ફૂલને તારું નામ દીધું છે.
ભમરા તને ગૂંજ્યા કરે,
ગૂંજવાનું મેં કામ લીધું છે.
જળને તારું નામ દઈ ઢંઢોળી લેતો,
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે,
એ જ નદીનું જળ પીધું છે.
આપણા પ્રેમની સુખની દુ:ખની વાત કરું છું,
શબ્દો આગળ એટલો પાગલ.
સ્વરાંકન: નયનેશ જાની
સ્વર: પાર્થિવ ગોહિલ
સંબંધોની આડે અનોખી દીવાર,
તમે સમજો કિલ્લો ને હું આરપાર.
તમારી ઈબાદત, તમારી જ રઢ,
મને ક્યાં ખબર છે દુવાના પ્રકાર ?
પ્રતીક્ષાના ગુલમ્હોર આંખે ઊગ્યા,
જગત સમજે એને નશાનો ખુમાર.
હકીકતનું મૃગજળ પીવાડી દો એને,
શમણાંનું હરણું શ્વસે છેલ્લી વાર.
સ્નેહી મિત્રો,
આજે ૧૬ માર્ચ, રણકારનો જન્મદિવસ. બરાબર એક વર્ષ પહેલા આજનાં જ દિવસે રણકાર એક બ્લૉગ સ્વરૂપે શરૂ કરેલો. રણકાર જ્યારે બ્લૉગરૂપે શરૂ કર્યો ત્યારે એ આટલો રણકશે એવી ખબર ન હતી. પણ એને વાચકોનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો અને રણકાર એક બ્લૉગમાંથી સ્વતંત્ર વેબસાઈટ બન્યો. મારી આ સફરમાં દેશ-વિદેશથી અસંખ્ય વાચકોએ મુલાકાત લીધી. તેમનાં અમૂલ્ય પ્રતિભાવો અને માર્ગદર્શન વગર રણકારને સતત ચાલુ રાખવાનું શક્ય બન્યું ના હોત. રણકારે અંગત રીતે મને આનંદ આપ્યો જ છે પરંતુ જોડ જોડે ગુજરાતી બ્લૉગ જગતનાં ભાગરૂપ બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. આ એક વર્ષ દરમ્યાન ગુજરાતી બ્લૉગ જગતમાં ઘણા મિત્રો મળ્યા અને તેમનો સહકાર અને માર્ગદર્શન પણ મળ્યું. પ્રથમ વર્ષગાંઠે હું સૌ વાચકો અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ આગળ પણ મારા આ સફરમાં આપ સૌનો પ્રેમ અને સહકાર મળતો રહે તેવી અભ્યર્થના છે.
આજનાં આ પ્રસંગે હું આભારી છું મારા માતા-પિતાનો જેમણે એક ગુજરાતી હોવાનું ગૌરવ મને આપ્યું. નાનપણથી જ મને ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે જોડાયેલો રાખ્યો. તેમનાં સતત પ્રોત્સાહન અને આશિર્વાદ વિના આ શક્ય ન બન્યું હોત. આજે આ બ્લૉગને હું તેમનાં પુનીત ચરણોમાં અર્પણ કરું છું.
પ્રથમ વ્રર્ષગાંઠ નિમિત્તે સાંભળીએ મારું ખૂબ જ ગમતું એક ગીત ..
સાત સૂરોનાં સરનામે – અંકિત ત્રિવેદી
સ્વર: પાર્થિવ ગોહિલ
સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.
તમને કહું છું કે ‘સા’ માંથી સાંજ મઝાની કાઢો,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો,
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..
ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો, રસભર છે જીવન,
રોમ-રોમમાં જે અજવાળે એ દિવડાં પ્રગટાવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..
સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.
આલ્બમ: આસ્થા
સ્વર: પાર્થિવ ગોહિલ
કાયાને સરનામે આવ્યા હરિનાં કાગળીયા,
તેડાવે તને તારો શ્યામ..
ઊડી જા ઊડી જા પ્રાણનાં પારેવડાં,
પારકા મલકમાં હવે તારે રહેવાનું શું કામ..
એક જ ફૂંકની ઉપજ-નીપજ આ એકજ ફૂંકનું સર્જન,
આંખ ઉઘાડી મીંચો ત્યાંતો સર્જનનું વિસર્જન,
હે.. આવન-જાવન કરે કાફલો સદા આમને આમ..
ઊડી જા ઊડી જા…
સોના જેવા સોનાની પણ પત્થર કરે કસોટી,
એક જ પળમાં વિંધાઈ જતું મોતી જેવું મોતી,
હે.. હવે છેટું નથી રે તારું ગામ..
ઊડી જા ઊડી જા…
મૃગજળનાં જળ પી પી ને તરસ્યું છીપાવી જાણી,
દુનિયાનાં દાવાનળમાં જાત જલાવી જાણી,
કંટકછાયી કેડી માથે કાયાને ચલાવી જાણી,
કોઈનું કલંક માથે લઈને આબરૂ અભડાવી જાણી,
હે.. જીવડા તારી વાટડી જુવે તારો આતમ રામ..
ઊડી જા ઊડી જા…
સ્વર: પાર્થિવ ગોહિલ
સંગીત: શ્યામલ -સૌમિલ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં,
ને થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત તને યાદ છે?
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું,
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના,
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
—————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: રાજીવભાઈ
સ્વર: પાર્થિવ ગોહિલ
ધોવા દ્યો રઘુરાય,પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી.
રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ.. પગ મને..
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી
તો તો અમારા રંક જનની, આજીવીકા ટળી જાય.. પગ મને..
જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસ્કાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય.. પગ મને..
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી .. પગ મને..
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી
પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ.. પગ મને..
નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈજી
‘કાગ’ કહે કદી ખારવો ના લીયે ખારવાની ઉતરાઈ.. પગ મને..
—————————————–
ફરમાઈશ કરનાર મિત્ર: રાજીવભાઈ
સ્વર: પાર્થિવ ગોહિલ
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું
તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,
રાત દિવસ ગુણો તારાં ગાયા કરું,
અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…
મારી આશા નિરાશા કરશો નહી,
મારા અવગુણ હૈયે ધરશો નહી,
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…
મારાં પાપ ને તાપ સમાવી દેજો,
આ સેવકને ચરણોમાં રાખી લેજો,
આવી દેજો દર્શન દાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…
તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,
મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…
મારાં ભવોભવનાં પાપો દૂર કરો,
મારી અરજી પ્રભુજી હૈયે ધરો,
મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ છું
તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…